- ઇ-વે બિલ અંગે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ.
• વેટ, એક્સાઈઝ જેવા અનેક કાયદાની જગ્યાએ વન નેશન, વન ટેક્સ, વન માર્કેટ તરીકે ઓળખતો જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો. જી.એસ.ટી. કાયદા માં પણ કરચોરી રોકવા માટે ઇ વે બિલ બનાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઇ વે બિલમાં કોઈ ચૂક થાય તો વેપારીઓએ ઘણી મોટી રક્મ દંડ તરીકે ભ૨વી પડતી હોય છે. આજે આ લેખમાં સરળ ભાષામાં ઇ વે બિલ અંગે મુંઝવતા પ્રશ્નો વિષે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
૧. ઇ વે બિલ બનાવવાની જવાબદારી મૂળભૂત રીતે કોની રહે છે?
જવાબ : જી.એસ.ટી.કાયદા હેઠળ નોંધાયેલ વ્યક્તિની રહે છે. જ્યારે બંને ખરીદનાર તથા વેચનાર જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ હોય ત્યારે, જે કરદાતા માલનું વહન (જેમની જવાબદારી રહેતી હોય તેમની) કરતાં હોય તેની રહે છે.
- જ્યારે કોઈ નોંધાયેલ વ્યક્તિ બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી માલની ખરીદી કરે તેવા સંજોગોમાં નોંધાયેલ વ્યક્તિની રહે છે.
૨. કઈ રકમ સુધી ઇ વે બિલ બનાવવાનુ રહેતું નથી ?
જવાબ : ૫૦,૦૦૦/- ( પચાસ હજાર) કે તેથી નીચી રકમના વેચાણો માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. જો કે કોઈ માલ જોબ વર્ક માટે એક રાજ્યથી અન્ય રાજ્યમાં મોકલવામાં આવે તો કોઈ પણ રક્મ હોય, ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે.
૩. ઇ વે બિલ ક્યારે બનાવવાનું રહે છે?
જવાબ : ઇ વે બિલ માલની રવાનગી થાય તે પહેલા બનાવવાનું રહે છે.
૪. શું ટ્રાન્સપોર્ટ કે કુરિયર એજન્સી ઇ વે બિલ બનાવી શકે છે?
જવાબ : હા.
૫. શું વેચાણ સિવાયના કિસ્સાઓ માટે પણ ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?
જવાબ : હા,.
૬. ઇ વે બિલ કેટલા ભાગનું બનેલું છે ?
જવાબ : ઇ વે બિલ બે ભાગમાં બને છે. Part A અને Part B. પાર્ટ A માં ક્નસાઇનર, કંસાઈની તથા માલની રકમ, જથ્થો વગેરેની વિગતો હોય છે. પાર્ટ A કનસાઇનર અથવા કંસાઈનીએ બનાવવું ફરજિયાત રહે છે. પાર્ટ B માં વાહનની વિગત હોય છે. Part B, કનસાઇનર કે કંસાઈની જે માલનું વહન કરતો હોય તેમણે બનાવવું જોઈએ. પણ જો તેમણે આ પાર્ટ B બનાવ્યું ના હોય તો ટ્રાન્સપોર્ટરે આ પાર્ટ B ભરી અપલોડ કરવાનું રહે. પાર્ટ A તથા પાર્ટ B ભરાય ત્યારબાદ EWB-01 (ઇ વે બિલ) જનરેટ થઈ શકે.
૭. કોઈ સંજોગોમાં Part A જનરેટ કર્યું હોય પણ પાર્ટ B જનરેટ ના થયું હોય તો ઇ વે બિલના દંડ લાગુ પડે ?
જવાબ : જ્યાં સુધી પાર્ટ B જનરેટ કરવામાં ના આવે ત્યાં સુધી EWB 01 કે જે ઈ-વે બિલ તરીકે ઓળખાય છે તે જનરેટ થયું ના ગણાય. આમ, પાર્ટ બી બાકી હોય તો પણ ઇ વે બિલ ના બનાવવાના દંડ લાગુ પડે.
8. હું એક ખેડૂત છું. હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ નથી. મારા માલની કિમત ૫૦,૦૦૦/ થી વધુ છે. શું મારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે ?
જવાબ : ના, જી.એસ.ટી. કાયદા હેઠળ બિનનોંધાયેલ વ્યક્તિ જ્યારે માલની હેરફેર કરતો હોય ત્યારે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. હા, મરજિયાત રીતે તે ઇ વે બિલ બનાવી શકે છે.
૯. હું એક ખેડૂત છું. મારો માલ ટ્રાન્સપોર્ટરના ટ્રકમાં વહન થઈ રહ્યો છે. શું મારા ટ્રાન્સપોર્ટરે ઇ વે બિલ બનાવવું ફરજિયાત છે?
જવાબ : ના, બિનનોંધાયેલ વ્યક્તિના માલના વહન માટે ટ્રાન્સપોર્ટર પણ ઇ વે બિલ બનાવવા જવાબદાર નથી. મજિયાત પણે તે ઇ વે બિલ બનાવી શકે છે.
૧૦. મારો માલ ૨૦ કી.મી.ના અંદરના અન્ય રાજ્યના વેપારીને વેચવામાં આવ્યો છે. શું ૨૦ કી.મી. ની અંદર હોવાથી મારે ઇ વે બિલ બનાવવામાં મુક્તિ મળી જશે?
જવાબ : ના, ૨૦ કી.મી.ની લિમિટ માત્ર નોંધાયેલ વ્યક્તિ પોતાના રાજ્યમાં જ ટ્રાન્સપોર્ટરને માલ મોક્લે તેના માટે છે.
૧૧. હું એક ખેડૂત છું. મારો માલ એક નોંધાયેલ કરદાતાને વેચવા વહન થઈ રહ્યો હતો. રસ્તામાં અધિકારી મારા માલને રોકી અમારા ખરીદનાર ઉપર ઇ વે બિલ ના બનાવવા અંગે દંડ કર્યો. શું અધિકારીનું આ પગલું સાચું છે?
જવાબ : હા, અધિકારીનું પગલું નિયમો મુજબ બરોબર કહેવાય. નિયમ ૧૩૮(૩) હેઠળ આપવામાં આવેલ ખુલાસા ૧ મુજબ, જો બિનનોંધાયેલ વ્યક્તિ દ્વારા માલનું વહન કોઈ નિશ્ચિત નોંધાયેલ કરદાતા માટે કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં ખરીદનાર કરદાતા ઇ-વે બિલ બનાવવા જવાબદાર થઈ જશે.
૧૨. મારો માલ જે ટૂંકમાં જતો હતો તે ટ્રકમાં ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે. હવે મારે આ માલને બીજા ટ્રકમાં તબદીલ કરવાનો છે તો મારે શું વિધિ કરવાની રહે?
જવાબ : જ્યારે માલ એક વાહનમાંથી બીજા વાહનમાં તબદીલ થતો હોય ત્યારે આ માલની રવાનગી થાય તે પહેલા જે વ્યક્તિએ ઇ વે બિલનો પાર્ટ A ભર્યો હોય તેમણે પોર્ટલ ઉપર નવા વાહનની વિગતો આપી પાર્ટ B અપડેટ કરી આપવાનું રહેશે.
૧૩. મારા માલનું વેચાણ રસીદ બદલાથી થયું છે. મારા ટ્રાન્સપોર્ટરે માલ અન્ય ટ્રાન્સપોર્ટરને આપી દીધો છે. હવે મારે શું કરવાનું રહે ?
જવાબ : તમારા ટ્રાન્સપોર્ટરે અથવા તમે જ્યારે સંપૂર્ણ માલ અન્ય ટ્રાન્સપોર્ટરને એસાઇન કર્યો હોય ત્યારે જૂના ટ્રાન્સપોર્ટરે અથવા તમારે તમારા ઇ-વે, બિલના યુઈક નંબર નવા રજીસટર્ડ અથવા એનરોલ્ડટ્રાન્સપોર્ટરને આપી અને પાર્ટ B નવા ટ્રાન્સપોર્ટરે ના અપડેટ કરવાનો રહે છે.
૧૪. હું એક ટ્રાન્સપોર્ટર છું. મારે એકસાથે ઘણા બધા કનસાઈનમેંટની હેરફેર કરવાના થાય છે. આ તમામ કનસાઈનમેંટની રકમ ૫૦,૦૦૦/- થી વધુ છે. શું અધિકારી રસ્તામાં ઇ વે બિલ માંગી શકે ?
જવાબ : ના, જો વાહનમાં વહન થતાં એક કંસાઇમેંટની ૨મ ૫૦,૦૦૦/- થી ઓછી હોય અને કુલ માલની રકમ ૫૦,૦૦૦/- થી ઉપર હોય તો પણ હાલના લાગુ નિયમો મુજબ ઇ વે બિલ બનાવવાની તે જવાબદારી ના આવે.
(આ જોગવાઈ નો અમલ સરકાર દ્વારા જાહેર કરાય તે તારીખ થી અમલ કરવામાં આવશે. આ અમલ અંગેનું નોટીફિકેશન હજુ બહાર પાડવામાં આવ્યું નથી. આમ, હાલ ટ્રાન્સપોર્ટરની નાના નાના કનસાઈનમેંટ બાબતે ઇ વે બિલ બનાવવા નાં જવાબદારી રહેતી નથી.)
૧૫.હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છું. મારા નામે કોઈ ઇ વે બિલ બનાવવામાં આવે તો શું મને તેની જાણ થાય ?
જવાબ : હા, નોંધાયેલ વ્યક્તિની મોબાઈલ નંબર, ઇ-મેઈલની વિગતો જી.એસ.ટી. પોર્ટલમાં હોય છે. આ પોર્ટલમાં જે મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા જાણ કરવામાં આવે છે.
૧૬. મેં ખરીદી નથી કરી છતાં પણ મારા નામે ઇ વે બિલ બન્યા અંગેનો SMS મને આવ્યો છે. શુંમારે આ મેસેજને ગંભીરતાથી લેવો જોઈએ ? હું શું કરી શકું છું ?
જવાબ : હા, જો તમે ખરીદી કરેલ ના હોય છતાં જો તમને ઇ વે બિલ અંગે SMS આવેલ હોય તો આ અંગે ઇ વે બિલ જનરેટ થયા ના ૭૨ લાક્માં તમે ઇ વે બિલ પોર્ટલ ઉપર રદ કરી શકો છો.
૧૭. હું જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ નથી. શું મારા નામે કોઈ ઇ વે બિલ બને તો તેની જાણ મને નાં SMS કે ઇ મેઈલ દ્વારા કરવામાં આવે ?
જવાબ : હા, જો તમારી વિગતો GST પોર્ટલમાં બિનનોંધાયેલ તરીકે આપેલ હશે તો બિનનોંધાયેલ વ્યક્તિને પણ જાણ કરવામાં આવશે.
૧૮. મેં વેચનાર તરીકે ઇ વે બિલ જનરેટ કર્યું છે. આ ઇ-વે બિલ ક્યાં સુધી વેલીડ રહે ?
જવાબ : તમે જનરેટ કરેલ ઇ વે બિલ જો ૧૦૦ કી.મી.ના અંતર સુધી હોય તો જનરેટ કર્યાના ૨૪ ક્લાક સુધી વેલીડ રહે. ત્યાર બાદ દર ૧૦૦ કી.મી. દીઠ ૨૪ કલાકનો સમય સિસ્ટમ દ્વારા ઓટોમેટિક ગણી લેવામાં આવશે અને ઇ વે બિલ ત્યાં સુધી વેલીડ ગણાશે.
૧૯. જો હું ૭૨ કલાકમાં મારે GSTIN ઉપર જનરેટ થયેલ ઇ વે બિલ રિજેક્ટ ના કરૂ તો શું આ ખરીદીઓ મારી છે તેવું માની લેવામાં આવશે ?
જવાબ : હા, જો ખરીદનારના નામ ઉપર કોઈ જી.એસ.ટી. ઇ વે બિલ જનરેટ થયેલ હોય અને તે ઇ વે બિલ જનરેટ થયાના ૭૨ ક્લાક્માં તેને રિજેક્ટ ના કરે તો તે ઇ વે બિલ ઓટોમેટિક એક્સેપ્ટ થયેલ ગણાય.
૨૦. શું જી.એસ.ટી. રિટર્ન ના ભરવાના કારણે ખરીદનાર કે વેચનાર તરીકે મારા ઇ વે બિલ બનવામાં અથવા બનાવવામાં કોઈ તકલીફ પડી શકે?
જવાબ : હા, સતત બે રિટર્ન ના ભરવામાં આવ્યા હોય તો ખરીદનાર તરીકે તમારા GSTIN ઉપર કોઈ ઇ વે બિલ જનરેટ થઈ શકે નહીં. આવીજ રીતે વેચનાર તરીકે સતત બે રિટર્ન બાકી હોય તો તમે ઇ વે બિલ બનાવી શકો નહીં.
(ડિસ્ક્લેમર: આ લેખ લખવામાં બનતી કાળજી લેવામાં આવેલ છે. છતાં આ લેખના મંતવ્યો લેખકના પોતાના મંતવ્યો છે. વેપારીએ આ વિષે સચોટ માહિતી મેળવવા પોતાના CA, એડવોકેટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટ સાથે ચર્ચા કરવી જરૂરી છે)
ભાર્ગવ બી જોષી ટેક્ષ એડવોકેટ